
અંદર છુપાયેલી સ્વતંત્રતાનો ડર
આપણે જે રીતે વર્તીએ છીએ તેનું એક રસપ્રદ પરિપ્રેક્ષ્ય
ગુણવંત શાહ ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક છે. તેમનું ગુજરાતી ભાષા અને સાહિત્યમાં મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતી વાંચનાર કદાચ જ કોઈ એવું હશે જે તેમનું નામ નહીં જાણતું હોય. સાદી, સરળ ભાષામાં વિવિધ વિષયો ઉપર તેમના લખાણો વાંચવા જેવા છે. તેમની આત્મકથાઓ પણ એક અલગ જ પદ્ધતિની અને “હું” આવ્યા વગરની સમજનું પ્રતિબિંબ બતાવનારી છે. તેમના ધર્મ અને અધ્યાત્મ પરના વિચારો ઘણા જ ઉમદા અને પ્રેરણાદાયી છે. તેમણે જીવનમાં નક્કી કર્યું હતું કે 50 વર્ષના થશે એટલે જે પણ કક્ષાએ તેઓ નોકરી કરતા હશે તે છોડી દેશે અને પોતાનું ગમતું કાર્ય — “લખવાનું” — કરશે. આજે તેમની ઉંમર 85 વર્ષની ઉપર છે અને પાંત્રીસ વર્ષ પહેલાં તેમણે કોલેજના પ્રોફેસરની નોકરી છોડી હતી. તેમને ત્યારે કોલેજના ડીન બનવા સુધીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પણ તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. એ અડગતાના પરિણામે ગુજરાતી સાહિત્યને ઉત્તમ પ્રકારના નિબંધો અને પુસ્તકો પ્રાપ્ત થયા. જ્યારે તેમણે આ નિર્ણય જણાવ્યો હશે ત્યારે એ ઘટના સહજ તો નહીં જ બની હોય.
અમૃતલાલ વેગડે શાંતિનિકેતનમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને મધ્યપ્રદેશના એક શહેરમાં આર્ટના પ્રોફેસર થયા. તેમને સતત થયા કરતું હતું કે ખાલી પ્રોફેસરની નોકરી કરી લેવી એવું જીવન ન હોવું જોઈએ. તેમણે પાછલી ઉંમરમાં નર્મદાની પગપાળા પરિક્રમા શરૂ કરી. જ્યારે તેમને વેકેશન મળે ત્યારે એક જગ્યાએથી પરિક્રમા ચાલુ કરે અને જ્યાં પૂર્ણ કરે ત્યાંથી બીજા વર્ષે ફરી ચાલુ કરે. આવી રીતે તેમણે અંદાજે 2600 કિલોમીટરની પ્રદક્ષિણા પોતાની રીતે કરી. એ અનુભવના સંભારણારૂપે જે લખાયું તે “સૌંદર્યની નદી નર્મદા” નામે પ્રકાશિત થયું. તે કેટલીય ભાષાઓમાં રૂપાંતરિત થયું. તેમના આ યોગદાન બદલ 2004માં તેમને સાહિત્ય અકાદમીથી નવાજવામાં આવ્યા. તેમની છેલ્લી પગપાળા યાત્રા તેમણે 71 વર્ષની ઉંમરે કરી. તેમણે ઘણી વાર આ પરિક્રમા કરી. કહેવાતા પરિક્રમાના નિયમોથી જુદી રીતે કરી. ઘણાએ કહ્યું હશે કે આવી રીતે પરિક્રમા ન થાય, પુણ્ય પ્રાપ્ત ન થાય. પણ તેમને જે પ્રાપ્ત થયું અને તેમના થકી બીજાને જે અનુભૂતિ થઈ તે કદાચ પુણ્યથી વિશેષ હતી.
જો તમે આજુબાજુ જોશો તો આવા ઘણા બધા (અગણિત) ઉદાહરણો તમને મળશે. વર્તમાનમાંથી મળશે. ભૂતકાળમાંથી મળશે. જે સમાજની દૃષ્ટિએ કદાચ વ્યવહારુ ન હોય, ગાંડા નિર્ણયો લાગે, મૂર્ખામી લાગે; પણ એવા નિર્ણયો સમયાંતરે મનુષ્યોએ લીધા છે. ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પણ વ્યક્તિ મક્કમ મનથી ટકી શક્યો હોય તેવા ઘણા ઉદાહરણો છે. જો ક્યારેય પણ સમય મળે તો “મેન્સ સર્ચ ફોર મીનિંગ” પુસ્તક વાંચવા જેવું ખરું. એ એક ઉત્તમ ઉદાહરણ છે કે એક મનુષ્ય પુષ્કળ યાતનાઓમાં પણ કેવી રીતે ટકી શકે છે.
પૃથ્વી પર તમે કોઈ પણ મનુષ્યને પૂછશો તો મોટા ભાગે એવો ઉત્તર પ્રાપ્ત થશે કે જો તેનું ચાલે તો જે તેને ગમે છે તે કરે. દુનિયાના મોટાભાગના લોકોને નોકરી નથી કરવી હોતી. જેવી પણ હોય, ગમે તેવો હોદ્દો હોય, નથી ગમતી. એક નિત્યક્રમ અનુસરવાનો થાય 35-40 વર્ષ સુધી, જેમાં તેના રોજના ઓછામાં ઓછા 10-12 કલાક સ્વજનોથી દૂર રહેવામાં ગયા હોય. એક નિત્યક્રમને ગમતા કે અણગમતા અનુસરવાનું આવ્યું હોય. આ ફક્ત નોકરી માટે નહીં, વેપાર માટે પણ લાગુ પડે છે. દુકાન ખોલીને બેઠા હોય, ગલ્લો છોડીને ન જઈ શકે; ત્યાં તો દિવસના 16 કલાક હોમાઈ ગયા હોય. પછી તો જીવન એવું થઈ ગયું હોય કે એ પ્રકારનો નિત્યક્રમ ન અનુસરે તો બેચેની થાય, લાગે કે કંઈક ગુનો થઈ ગયો છે.
તો મનુષ્ય સતત એક નિત્યક્રમને, એક પેટર્નને કેમ સતત અનુસરવા માંગે છે? જે નથી ગમતું છતાં કેમ કરે રાખે છે? તેને જીવવું છે. તે એવી ઘણી રીલ્સ જુએ છે, વિડિયો જુએ છે, વાંચે છે અને સતત ઈચ્છે છે કે તે એવી જગ્યાએ જાય, એવા સમયમાં જાય જ્યાં તેને શાંતિ મળે, એની ગમતી પ્રવૃત્તિ કરે, આરામ કરે. જો લોકોને પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો એમ કહેશે કે મારે કંઈક બીજું કરવું છે, પણ આ કરવું પડે છે — મજબૂરી છે, જવાબદારી છે. આ “જવાબદારી” શબ્દ ભલે નાનો લાગે, પણ ભલભલા મનુષ્યોના જીવનના અમૂલ્ય વર્ષો ખાઈ ગયો છે.
આવી રીતે વર્તવાના ઘણા કારણો આપી શકાય, પણ મૂળમાં એક મહત્વનું કારણ એવું છે કે મનુષ્યને જન્મ થયો ત્યારથી એવી રીતે તેને જાણતા-અજાણતા કેળવવામાં આવ્યો છે કે જો એક પેટર્નમાંથી એ બહાર પડે તો સિસ્ટમ તેને તેમ કરતો રોકવાની કોશિશ કરશે. અથવા તો સૌથી મહત્વની ઘટના રૂપે — એની માન્યતાઓ, વૈચારિક શક્તિ, દૃષ્ટિકોણ અને એનો ઉછેર જ તેને એમ કરતો રોકે છે. સમાજ અને બાહ્ય પરિબળો તો પછી આવે છે.
અને આ એક વ્યક્તિ સાથે નથી; આ નિરંતર થતું આવ્યું છે જ્યારથી સામાજિક જીવનનું સર્જન થયું. એક રીતે સ્વતંત્રતાનો ડર (“ફીઅર ઓફ ફ્રીડમ”) સુષુપ્ત રીતે આપવામાં આવ્યો. માણસને લાગવા લાગ્યું કે જો તે એક પ્રથા કે પૂર્વનિર્ધારિત નિયમોથી બહાર રહેશે તો તે જીવનમાં અને સમાજમાં સુસંગત નહીં રહે. અને ભવિષ્યનો ડર — “કે પછી શું થશે?” — એવા ઘણા પરિબળો સતત સમયાંતરે જન્મથી જ શીખવાડવામાં આવ્યા. આ કોઈ એક દેશ કે સમાજની વાત નથી. કોઈ પણ સમયે, સમાજ કે દેશમાં એવા લોકોને સમાજે કે દેશે તેમના અલગ વિચારો કે કાર્યો માટે મોતને ઘાટ ઉતાર્યા હોય તેવા દાખલા છે. “જિયોર્દાનો બ્રૂનો” એવું એક નામ હતું, જેને ઈસવી સન 1600માં ભરે બજારે સત્તાધીશો દ્વારા જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો, એટલા માટે કે તેણે બ્રહ્માંડ અનંત છે એવા વૈજ્ઞાનિક સંશોધનને સહયોગ આપ્યો હતો.
તો આ “સ્વતંત્રતાનો ડર” (“ફીઅર ઓફ ફ્રીડમ”) સુષુપ્ત રીતે મનુષ્યમાં પ્રોગ્રામ્ડ કરવામાં આવ્યો છે અને એક સુષુપ્ત ડર નાખવામાં આવ્યો છે કે ફ્રીડમની સાથે આવતા વિકલ્પો અને પસંદગીઓ માટે તેમને અગણિત નિર્ણયો ડગલે ને પગલે લેવા પડશે. એક ભૂલ બરબાદ કરી શકે છે અને અંધકારમાં ધકેલી શકે છે. આ ડર માણસમાં એવી રીતે ઘર કરી ગયો છે કે ઘરથી કામે જતા રસ્તામાં ઊડતા પક્ષીઓને જોવાનું ભૂલી ગયો છે, તેમનો કલરવ સાંભળવાનું ભૂલી ગયો છે, કે પ્રકૃતિમાં હર ક્ષણે બનતી આનંદની ઘટનાઓને જોવાનું ભૂલી ગયો છે.
આમાંથી ઊગરવા માટેની શરૂઆત સભાનપણે, સાક્ષીભાવે આ મર્યાદાઓને જોવાની જરૂર છે, એવી દૃષ્ટિ કેળવવાની જરૂર છે. નિર્ણયો, પસંદગીઓ કે વિકલ્પો તો પછી લેવાના આવશે. સભાનતા જ સ્વતંત્રતા (ફ્રીડમ) તરફ લઈ જશે.
સારતત્ત્વ
સભાનતા જ સ્વતંત્રતાનો પ્રથમ દ્વાર છે.
જે ક્ષણે આપણે પોતાની માન્યતાઓને પ્રશ્ન કરીએ છીએ, તે ક્ષણે સાચી પસંદગી કરવાની શરૂઆત થાય છે.
રત્નકણિકા
એક વખત જ્યોર્જ સેન્ટાયાના હાર્વર્ડમાં ક્લાસરૂમમાં લેક્ચર આપી રહ્યા હતા. અચાનક તેમને કોયલનો ટહુકાર સંભળાયો. જ્યારે ફરીથી તેમને એ ટહુકાર સંભળાયો, ત્યારે તેઓ જે ભણાવી રહ્યા હતા તે વાક્ય પણ અધવચ્ચે મૂકી વિદ્યાર્થીઓને કહ્યું, “મને વસંત બોલાવે છે, મારે જવું પડશે.” અને લેક્ચર અધૂરું મૂકીને નીકળી પડ્યા. લોકોએ તેમને છેલ્લી વાર ક્લાસમાંથી નીકળતા જોયા અને પછી ક્યારેય પણ કોઈએ તેમને શીખવતા જોયા નહીં.
Thus said Dinesh Gajjar
Published at 01:33 am, July 27th 2026 from Home, Sarvodaya Anand