એ શક્તિ જેની આપણે આટલા લાંબા સમયથી ઉપેક્ષા કરી છે

સ્વતંત્રતા સંઘર્ષ શ્રેણી

જો હું તમને એમ કહું કે,

  • “Stuart Weitzman”, “Christian Louboutin” જેવી બ્રાન્ડ્સ આજે મહિલાઓનાં ફૂટવેરમાં ટોચનાં નામ ગણાય છે. પરંતુ તમને ખબર છે કે એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓને ચપ્પલ પહેરવાની મનાઈ હતી? તેને ધર્મ સાથે જોડીને જૂતાં પહેરવાં પાપ ગણાતું હતું? મુખ્યત્વે સ્ત્રીઓ માટે?
  • જો તે કોઈ ખાસ જાતિમાં જન્મી હોય, તો બ્લાઉઝ પણ પહેરી શકાતું નહોતું?
  • સ્ત્રીઓએ સાઇકલ ચલાવવી એ નૈતિક દૃષ્ટિએ પ્રતિબંધિત હોવી જોઈએ એવી ડૉક્ટરો અને વિદ્વાનોની માગણી હતી, અને મહિલાઓનું સાઇકલ ચલાવવું સમાજ માટે જોખમ ગણાતું હતું? આ વિચારધારા યુરોપિયન દેશોમાં પ્રવર્તતી હતી?
  • સ્ત્રીઓને હસતી વખતે દાંત ઢાંકવા પડતા હતા અને જાહેરમાં મોં ખોલીને હસતી સ્ત્રીનું ચારિત્ર્ય સારું ગણાતું નહોતું?
  • હજુ 1945 સુધી કેમ્બ્રિજમાં મહિલાઓને ફેલો તરીકે રોયલ સોસાયટીમાં પ્રવેશવાની મનાઈ હતી?
  • વિકાસશીલ દેશો કહેવાતા દેશોની સરખામણીમાં આધુનિક ગણાતા દેશોમાં પણ સ્ત્રીઓને મતદાનના અધિકારો ઘણા મોડા મળ્યા?
  • પેરિસમાં મહિલાઓને પેન્ટ પહેરવા પર તકનીકી રીતે પ્રતિબંધ મૂકતો કાયદો 2013માં સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યો ત્યાં સુધી અમલમાં હતો. અમેરિકાનાં વિવિધ રાજ્યો અને કાર્યસ્થળોએ પણ વીસમી સદીમાં લાંબા સમય સુધી મહિલાઓ માટે પેન્ટ પહેરવા પર પ્રતિબંધો મૂક્યા હતા.
  • નેપાળના કેટલાક વિસ્તારોમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ઝૂંપડીઓમાં રહેવા માટે મોકલી દેવામાં આવતી હતી. કેટલીક મહિલાઓ ઠંડી અથવા જંગલી પ્રાણીઓના હુમલાને કારણે મૃત્યુ પામતી હતી. આ પ્રથાને 2017માં જ ગુનાહિત જાહેર કરવામાં આવી હતી, અને આજે પણ તે ચાલુ છે.

આ બધું જે લખ્યું છે તે માનવજીવનના ઇતિહાસનો એક ટકો પણ નથી અને છેલ્લાં બે સૈકાની વાત છે. જો હજી પાછળ જાઓ, તો ઘણું એવું વાંચવા મળશે કે તમને થશે કે આ કેવું? અરે, છેલ્લા 100 વર્ષમાં પણ એવા દાખલા છે કે તમને આઘાત લાગે એવું જોવા અને વાંચવા મળશે.

મુદ્દાની વાત એ છે કે, જેને કોઈ પીડા નથી તેને જે પીડામાં છે તેની પીડાનો કોઈ ખ્યાલ આવતો નથી. જ્યારે લોકતંત્રની હિમાયતની વાતો બ્રિટનમાં થતી હતી, ત્યારે ત્યાં જ સ્ત્રીઓ કેટલાય મહત્ત્વના વિષયોમાં સ્વતંત્ર નહોતી. સાદી ભાષામાં કહીએ તો લોકોને પોતાને કોઈ તકલીફ થાય ત્યારે લાગે કે હવે ક્રાંતિ થાય તો સારું.

મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે તકલીફ થઈ — પોતાને તકલીફ થઈ — ત્યારે રસ્તો શોધવા નીકળ્યા. પરંતુ કોઈ બીજાને તકલીફ પડી હોય ત્યારે જો તમે તેને તે તકલીફમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરો, તો તે ઉમદા કાર્ય છે અને પ્રશંસાને પાત્ર છે. આવી વિભૂતિઓએ ઇતિહાસ બદલ્યો છે. અમુક યુરોપીયન સમાજ માં એવો બહુ જૂનો નહિ એવો ઇતિહાસ છે કે જે સ્ત્રી ને વાંચતા લખતા આવડતું તેને ડાકણ કહી ને મોત ને ઘાટ ઉતારી દેવા માં આવતી હતી? દૂર શુકામ જવાનું? ભારત માં જ હજુ દોઠસો વર્ષ પહેલા ઘર ની સ્ત્રીઓ ને પણ અભ્યાસ નો અધિકાર નહોતો? જો વધુ જાણવું હોય તો મહાત્મા ફૂલે અને સાવિત્રીભાઈ ફૂલે નું જીવન ચરિત્ર જુવો, ખબર પસશે કે કેવી હાલાકી માં એ લોકો એ ક્રાંતિ ની મશાલ પ્રગટાવી હતી.

પરંતુ સ્ત્રીઓની સ્થિતિ સુધારવાની વાતો આવે (માત્ર શૈક્ષણિક નહીં), અધિકૃત રીતે નિર્ણયશક્તિ પ્રદાન કરવાની વાત આવે, કાર્ય કરવાની વાત આવે, ત્યારે પુરુષો અર્ધજાગૃતપણે હુકમ આપી દે છે. અર્ધજાગૃતપણે નક્કી કરી લે છે કે આ સ્ત્રીનું કામ છે.

અહીં મહત્ત્વની વાત એ છે કે સબળ પુરુષ પાસે અધિકાર છે (એ કેવી રીતે આવ્યો? તો સામાન્ય રીતે સ્વીકારી લેવામાં આવ્યું કે પુરુષ છે એટલે અધિકારી છે. આ વિષય પર વાત ભવિષ્યમાં ક્યારેક.) અને તે એક જવાબદારી માગે છે, પરંતુ તેવી સમજ કેળવાઈ નથી.

મુદ્દો જો ફક્ત સ્ત્રીઓના અધિકારોનો જ રાખીએ, તો પુરુષો સામાન્ય રીતે સ્ત્રીઓ પ્રત્યે સહિષ્ણુ નથી રહ્યા. શિક્ષણ આવ્યું અને સમજદારી વધી, ત્યારે આ ભેદભાવ અને અસહિષ્ણુતા ઓછી તો ન થવી જોઈએ? કે પછી સ્ત્રીઓની સ્વતંત્રતાનો આ છુપો ડર (Fear of Freedom) કેમ છે? આનાં મૂળ એક દાયકામાં નથી, પરંતુ સદીઓમાં અને માનવજીવનમાં જે રીતે માનસને પ્રોગ્રામ્ડ (તૈયાર) કરવામાં આવ્યાં છે તેમાં છે.

જે સમાજ અને સંસ્કૃતિએ સ્ત્રીઓને માત્ર એક વસ્તુ (Object) તરીકે નહીં, પરંતુ એક શક્તિ તરીકે જોઈ છે, તે સમાજ કે સંસ્કૃતિએ પ્રગતિ કરી છે. ભારતનો વૈદિક સમાજ આ ઘટનાનું એક સારું ઉદાહરણ કહી શકાય.

આજના નવરાત્રિના પહેલા નોરતે, વૈદિક ધર્મ જે શક્તિની પૂજા કરે છે, એ શક્તિ આપણા બધાના ઘરમાં વિવિધ રૂપે સુષુપ્ત રીતે વિરાજેલી છે. એ શક્તિને જાગૃત કરવાની જવાબદારી આપણી રહી. ફક્ત એટલું જ નહીં, ઘરમાં રહેલા પુરુષોને (પછી તે બાળક હોય કે વડીલ) પણ શિક્ષણની જરૂર છે કે એ શક્તિને શક્તિ શા માટે કહેવાય છે. એ શક્તિ (માં, બહેન, પત્ની, દીકરી કે વહુ ) ને પણ શિક્ષિત કરવા પડશે તેમના માં રહેલી શક્તિ ને કુટુંબ અને સમાજ ના વિકાસ માટે કેવી રીતે કામ કરી શકે? આ ક્રાંતિ વૈચારિક રીતે પાયા માં થી થવી જોશે અને બહુજ અઘરા અસહજ પ્રશ્નો નો સામનો કરવો પડશે અને તેનો જવાબ શોધવો પડશે.

માનવજીવનની ઘણી સમસ્યાઓનું નિરાકરણ આ શક્તિના જાગૃત થવાથી આવશે. ખાલી જો આપણે આપણા ઘરમાં પણ આટલું કરીશું, તો ખ્યાલ આવશે કે જીવનમાં અભૂતપૂર્વ સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

સારતત્ત્વ

પૂજી ન શકાય તેવી શક્યતા ખરી, પરંતુ અનાદર ન થવો જોઈએ, જે અત્યારે હર સમયે, સ્થળે સતત થઈ રહ્યો છે.

રત્નકણિકા

એક ઘરમાં એક સુંદર દીવો હતો. પેઢીઓથી એ દીવો ઘરમાં સાચવીને રાખવામાં આવતો હતો. ઘરના લોકો તેને કિંમતી માનતા, તહેવારોમાં તેની પૂજા કરતા અને મહેમાનોને ગર્વથી બતાવતા.

પરંતુ વર્ષો સુધી કોઈએ એ દીવો પ્રગટાવ્યો જ નહોતો.

એક દિવસ ઘરમાં અંધારું થયું. ઘરના લોકો પ્રકાશ શોધવા લાગ્યા. કોઈએ મોંઘી મીણબત્તીઓ ખરીદી, કોઈએ બહારથી દીવા મંગાવ્યા, તો કોઈએ અંધારાને જ જીવનનો ભાગ માની લીધો.

ત્યારે ઘરના એક બાળકે પૂછ્યું, “આપણી પાસે આટલો સુંદર દીવો છે, તો આપણે એને પ્રગટાવતા કેમ નથી?”

ઘરના વડીલે જવાબ આપ્યો, “આ દીવો તો ખાસ છે. એને સાચવીને રાખવાનો હોય, રોજના ઉપયોગ માટે નહીં.”

બાળકે ફરી પૂછ્યું, “પણ જે દીવો અંધારું દૂર ન કરી શકે, તેને સાચવી રાખવાનો અર્થ શું?”

વડીલ પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો.

એ દિવસે પહેલી વાર દીવો પ્રગટાવવામાં આવ્યો. વર્ષોથી ઘરમાં રહેલો પ્રકાશ આખા ઘરમાં ફેલાઈ ગયો.

છેવટે પ્રગટાવેલો દીવો

Thus said Dinesh Gajjar
Published at 11:00 pm, Sun Oct 11th 2026 from Campal, Panji.