જે શબ્દોમાં સમાતું નથી

સાને ગુરુજી સાચા હતા

સાને ગુરુજીએ મા ના મહિમા પર આખું પુસ્તક “શ્યામની મા” લખ્યું અને છતાં એમણે કહ્યું કે હું પૂરો ન્યાય નથી કરી શક્યો. સંસ્કૃતમાં શ્લોક છે કે “પુત્ર કુપુત્ર ભવતિ, માતા કુમાતા ન ભવતિ”. મા ને દોષિત ઠરાવતી ઘટનાઓમાં પણ મોટેભાગે મા ની મંશા તો બાળકને ઉત્તમ જીવન આપવાની જ હોય છે. રામાયણમાં પણ ભલે સામાન્ય બુદ્ધિથી દોષ કૈકેયીને આપીએ, પણ આપણને પણ ખબર છે કે તેનો ઉદ્દેશ પોતાના દીકરાને ગાદી અપાવવાનો હતો — એ અલગ વસ્તુ કે તેની વિચારક્ષમતા મર્યાદિત વર્તુળમાં બંધાયેલી હતી.

જે હોય તે, આજે મારે અહીં જે લખવું છે એ મારા જીવનની એક ઘટના છે.

૧૯૮૪ની આસપાસનો એ કાળ હતો અને નાશિક શહેર હતું. મારી ઉંમર હશે ૭-૮ વર્ષની. અમે ઇન્દિરા નગરમાં રહેતા હતા. બધા છૂટા બંગલા રહેતા, જે ચારે દિશાએ ખુલ્લા હોય. બંગલા એટલે મોટા નહીં, ૧ રૂમ-કિચન કે કદાચ ૧ BHK, પણ ઓરડા, રસોઈઘર, વરંડા અને ઓસરી મોટા હોય. એક છત નીચે અમે લગભગ ૮ લોકો રહેતા હતા. એ ભાડા નું ઘર હતું. એ સમયે ટીવી અમારે ત્યાં નહોતું અને મનોરંજનનાં સાધનો ઓછાં હતાં. ઇન્દિરા નગરમાં ઓપન થિયેટરમાં વાર્ષિક કાર્યક્રમો થતા, જેમાં સોસાયટીના લોકો ભાગ લેતા. એવા વખતે મારું નામ મારી મા એ કોઈ બાળ કવિતા માટે લખાવ્યું હતું, જેમાં મારે કેટલાક સાદી નૃત્યભંગિકાઓ કરવાની હતી. મારી માં એ જ શીખવાડી હતી.

મારી મા આમ પોતે પણ કલાકાર અને સારી ડાન્સર હતી. તેના ઘણા ગુણો મારા મોટાભાઈ અને બહેનમાં આવ્યા છે. તેઓ પોતે જ્યારે જુવાન હતાં ત્યારે પોતાના પિયર (જામનગર) માં ઘણાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતાં. પછી તે નૃત્ય હોય, ચિત્રકલા હોય, રંગોળી હોય કે બીજું કઈ પણ હોય, જેમાં અભિવ્યક્તિ નો અવકાશ હોય, મારી મા એ કોઈ પણ રીતે, તેમણે ભાગ લીધો હોય અને ટાંચાં સાધનોમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય.

મારા માટે ખૂબ મહેનતથી ડ્રેસ પણ દિવસોની મહેનત પછી બનાવ્યો. એ પણ ઘરના બધા લોકોની સગવડોનું ધ્યાન રાખતાં, કોઈને અગવડ ન પડે તેમ રાતે જાગીને કરતાં. એ ઉપરાંત મને એક બહુ જ સરળ કવિતા શીખવાડી, જે મેં શીખી અને મને મજા પડતી એટલે હું મારી રીતે આખો દિવસ મસ્તીમાં પ્રેક્ટિસ કરતો અને ઘરના લોકો પણ મજા લેતા.

જે રાત્રે મારું પર્ફોર્મન્સ કરવાનું હતું ત્યારે મને તેમણે બનાવેલો સફેદ ડ્રેસ પહેરાવ્યો અને સ્ટેજ પર નેપથ્યમાં લઈ ગયાં. હું તૈયાર હતો. મારું નામ બોલાયું અને મમ્મીએ મને કહ્યું, “જા અને કવિતા બોલજે, જે સ્ટેપ તને જેમ આવડે છે તેમ.” હું ગયો સ્ટેજ પર — પણ ઘણા બધા લોકોની સામે, સ્ટેજ પરથી પ્રેક્ષકોને જોઈને ગભરાયો અને મને પેલો ડ્રેસ પણ ખૂંચવા લાગ્યો, એવું યાદ છે. હું જેવો દોડતો ગયો એવો પાછો આવ્યો. માઇક મારી સામે જ હતું. કવિતાનું કે સ્ટેપનું કોઈ પ્રદર્શન ન કર્યું, ફક્ત “મને કરડે છે” એવું બોલીને પાછો આવ્યો. ત્રણ વખત મોકલ્યો અને ત્રણેય વખત મેં એવું જ કર્યું. હા, મારો ડ્રેસ બધામાં આગળ તરી આવતો હતો અને લોકો તેને જોતા હતા. કદાચ મારા ડ્રેસથી એમની મારી પ્રત્યેની અપેક્ષા વધી ગઈ હશે કે કંઈક વિશેષ જોવા મળશે. પણ મને લાગે છે કે નિરાશ થયા હશે.

હું રજૂઆત ન કરી શક્યો અને મેં કહ્યું કે મને કરડે છે, એટલે તેણે મારા કપડાં બૅકસ્ટેજ પર જ બદલાવી નાખ્યા. કોઈ ધોલ-ધપાટ નહીં, કોઈ ગુસ્સો નહીં, કોઈ શબ્દ નહીં, કોઈ શિખામણ નહિ. મને આછું યાદ છે, એ કદાચ મને ભેટી હતી. આવી રીતે મારા જીવન નો પ્રથમ જાહેર મંચ પર નો અનુભવ પૂરો થયો.

ત્યાર પછી પણ જીવનમાં ઘણા પ્રસંગો આવ્યા અને ગયા, ઘણી ખરાબ પરિસ્થિતિ આવી અને ગઈ. જ્યાં સુધી તેમની તબિયત સારી હતી, ત્યાં સુધી હું તેમની પાસે જતો અને કહેતો, “આ સારું થયું છે, આમાં રસ્તો નથી મળતો.” એ કહેતાં, “(ઘરમાં રહેલા) મંદિરમાં જઈ પ્રાર્થના કર અને હું પણ કરીશ.” અને અનુષ્ઠાન કરતાં. ઘણી વખત તો બહુ મોડી ખભર પડતી કે તેમણે જે અનુષ્ઠાન કર્યું છે તે આના માટે કર્યું છે. પણ મૉટે ભાગે ખબર ના પડતી. અમે પણ પછી પૂછતા નહિ, કારણ ખબર હતી કે જો કહેવાનુ હશે તો કહેશે.

આ અનુષ્ઠાન ખાલી અમારા માટે કરતી એવું નહિ, એ કોઈના પણ માટે કરતી. ફક્ત કોઈ કહે કે આ તકલીફ છે, તમે પ્રાર્થના કરજો, અને એ કરતી, અનુષ્ઠાન સુદ્ધાં કરતી. કદાચ લોકોને પણ ભરોસો હતો કે તેમણે કરેલી પ્રાર્થનાઓ ફળે છે.

એ બહુ ભણેલી નહોતી, એ જમાનાનું ૧૧ સુધી ભણી હતી કદાચ. એમાં પણ માનવસહજ મર્યાદાઓ હતી, મને લાગે છે કે જેટલી એ આધ્યાત્મિક જીવનને અનુરૂપ હતી એટલી એ ભૌતિક જીવનમાં સુસંગત નહોતી. પણ માંયલો તેમનો બીજા ના દુઃખે દુઃખી થનાર હતો. તેમનું આખુ વ્યક્તિત્વ જે વિકસિત થયું હતું તેમાં ગરીબી નો બહુ મોટો ભાગ હતો, જીવન નો ઘણો મોટો ભાગ અભાવ માં પસાર થયેલો છતાં બીજા ને છેતરવાની વૃત્તિ નહોતી, મનુષ્ય જીવન ના મૂળભૂત મૂલ્યો તેમણે અમારા માં સંચિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પણ આજે જ્યારે આ બધું લખું છું ત્યારે એ બધી ઘટનાઓ, તકલીફો, પીડાઓ, સંઘર્ષ, ગરીબી, ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અમારા ઉપરનો અતૂટ ભરોસો, લોકોની તકલીફો પોતાના પર લેવી — આ આખું જીવન માનસપટલ પર પસાર થઈ રહ્યું છે.

શું લખું અને શું ના લખું. સાને ગુરુજી સાચે કહેતા હતા. મા વિશે લખવું ઘણું અઘરું છે. કોઈને પણ પોતાની મા માટે લખવું અઘરું છે.

એ મા હવે નથી, સદેહે નથી રહી — ૧૫ ઑક્ટોબર ૨૦૨૬ની વહેલી સવારે, તેમણે દેહત્યાગ કર્યો અને અમે નમાયા થયા.

હવે તેમના પ્રસંગો અને યાદો રહેશે જ્યાં સુધી અમે ભૂલી નહિ જઇયે ત્યાં સુધી.

સારતત્ત્વ

મારા માં જો થોડી ઘણી વાંચનની વૃત્તિ આવી હોય તો એ માટે પિતાને શ્રેય ઘટે અને જો થોડી ઘણી વાર્તાઓ કરી શકતો હોઉં, તો એ કળા અને કલ્પનાશક્તિનો પૂરો શ્રેય મારી માને જાય છે. એ ઘણી સરસ વાર્તાકાર હતી, તેના માં ગજબ ની કલ્પના શક્તિ હતી

રત્નકણિકા

એક વખત એવું થયું કે ઘરે મહેમાન આવ્યા અને ઘરે એક રૂપિયો નહોતો. પિતા ઘરે નહોતા, એ બહારગામ ગયા હતા કામ માટે. મહેમાન આવ્યા, કંઈક તો નાસ્તો આપવો પડે. ઘર માં ખાવા માટે ફક્ત બટેટા હતા. માં એ બટેટા ની સૂકી ભાજી બનાવી અને બટેટા નો જ શીરો બનાવ્યો અને છાસ આપી. મહેમાન ખાતા જાય અને વખાણ કરતા જાય, તેમને ખબર ના પડી કે બધું બટેટા મા થી જ બન્યું છે . અમે બાળકો એક બીજા ની સામે જોતા જઇએ અને મન માં ખુબ સંકોચ અનુભવીએ, કે હમણાં ભાંડો ફૂટશે પણ મા એ પ્રસંગ સુખરૂપ પાડ્યો. પછી તો એ રમૂજ લાંબો વખત ચાલી કે સારું હતું કે બટેટા હતા અને ગુવાર નહિ, નહિ તો મા ગુવાર નું શાક અને એનો શીરો બનાવી નાખત. ગરીબી માં રમૂજ સિવાય બીજા મનોરંજન ના સાધનો પણ ક્યાં હતા!

વહેલી સવારે ઘરના મંદિરમાં પ્રગટેલો દીવો

Thus said Dinesh Gajjar
Published at 11:00 pm, Mon Oct 19th 2026 from Ahmedabad, Gujarat, India.