
Art of Story Telling
એક સમયની વાત છે, એક બિલાડીનું બચ્ચું હતું...
એક વાર એવું થયું કે એક બિલાડીનું બચ્ચું દ્રાક્ષના ઝાડ પાસે આવ્યું. એને ભૂખ લાગી હતી, એટલે એને થયું કે કુદકો મારીને દ્રાક્ષનો ઝૂમખો પાડી લેશે. હવે બચ્ચાની ઊંચાઈ નાની, તેણે કુદકા માર્યા પણ પહોંચી શક્યું નહીં. એટલે પેલા શિયાળની જેમ દ્રાક્ષ ખાટી છે તેમ કહીને ચાલ્યું ગયું. ચાલ્યું ગયું?
નહીં, એણે વિચાર્યું કે શિયાળે તો પછી પ્રયત્ન જ ના કર્યો, બીજી રીતે કંઈક રસ્તો શોધવો જોઈએ ને? એટલે બિલાડીના બચ્ચાએ આજુબાજુ પડેલા નાના પથ્થરો ભેગા કરવા માંડ્યા અને પછી એણે પથ્થરોની ઢગલી બનાવી. એના પર ચડીને કુદકો માર્યો અને એને એમ હતું કે હવે દ્રાક્ષનો ઝૂમખો પોતે પકડી લેશે અને તોડીને નીચે લાવશે. પણ થયું એવું કે જેવો પથ્થરોની ઢગલી પરથી કુદકો માર્યો ત્યાં પહેલાં કરતાં વધારે ઊંચે તો ગયું પણ દ્રાક્ષના ઝૂમખા સુધી પહોંચી ના શક્યું અને પડ્યું. તેણે ફરી પ્રયત્નો કર્યા પણ પહોંચી ના શક્યું. હવે શું કરવું?
ફરી તેને વિચાર આવ્યો કે કુદકો મારવા કરતાં ડાળી લઈને ટેકરી પાર ચડી ને ડાળી લંબાવી ને પકડવાથી તો દ્રાક્ષના ઝૂમખા ને પાડી શકશે. એટલે પછી તેણે ડાળી શોધવાનું શરૂ કર્યું અને તેને પોતે ઉચકી શકે તેવી એક સરસ ડાળી મળી ગઈ. તેણે મોઢે થી પકડી લીધી, નાના પથ્થરોની ડુંગરી પર ચડ્યું અને ડાળી થી દ્રાક્ષના ઝૂમખાને પકડવાનો પ્રયત્ન કર્યો. બે-ત્રણ વખતના પ્રયત્ન પછી એક સરસ ઝૂમખો ડાળીમાં ફસાઈ ગયો અને ખેંચાવાથી જમીન પર પડ્યો. હવે? તો બિલાડીના બચ્ચાએ ખાધી દ્રાક્ષ?
નહીં, કારણ કે એ તો ધૂળ માં પડી હતી ને! એટલે ધૂળવાળી થઈ ગઈ હતી, એટલે સાફ કરવી જરૂરી હતી. પછી તો બચ્ચું નજીક ની નદી ને કિનારે દ્રાક્ષના ઝૂમખાને ઉંચકીને લઈ ગયું અને પાણીમાં ધોઈને પહેલી દ્રાક્ષ મોઢામાં મૂકી. અહાહાહા… શું દ્રાક્ષ હતી, એવી મીઠી અને એવી પોચી ને એવી સ્વાદવાળી કે તેનો અનુભવ જીવનભર યાદ રહી જાય. શું દ્રાક્ષ હતી એ!
હવે આ બચ્ચાના ચહેરા પરનો રંગ અને સ્વાદનો હુકાર ને તૃપ્તિનો ઓડકાર જોઈને, ત્યાં ઊભેલાં બીજાં બચ્ચાંઓ પણ ઉતાવળાં થયાં અને આ બચ્ચા પાસે આવીને કહ્યું કે અમને પણ દ્રાક્ષ ખાવી છે. તો આ બચ્ચાએ કહ્યું, ચાલો, આપણે બધાં દ્રાક્ષ પાડીએ, ધોઈએ અને ખાઈએ. એટલે બધાં પાછાં દ્રાક્ષના ઝાડ પાસે આવ્યાં. હવે પહેલા બચ્ચાને અનુભવ હતો કે દ્રાક્ષ કેમ પાડવી, પણ આ વખતે ખાનારની સંખ્યા વધારે હતી. હવે શું કરવું? એક ડાળીથી અલગ-અલગ જગ્યાએ જઈને પાડી તો ના શકાય, પાછી એટલી ડુંગરી બનાવવી પડે. તો બિલાડીના બચ્ચાએ બીજા બચ્ચાંઓને કહ્યું કે આપણે હવે આપણો બચ્ચાઓ નો મિનારો (પિરામિડ) બનાવીએ અને ટોચ પર હોય તે તોડે અને નીચે ફેંકે. બધાં બચ્ચાંઓએ વર્તુળ બનાવ્યું, એના પર ચડીને બીજું વર્તુળ બનાવ્યું અને એમ કરતાં એ લોકો દ્રાક્ષના ઝૂમખા પાસે પહોંચી ગયાં અને ઘણાં બધાં ઝૂમખાં તોડીને જમીન પર ફેંક્યાં. પછી તો શું, બધાં પાછાં નદી કિનારે ગયાં, દ્રાક્ષને પાણીથી ધોઈ અને ખાધી. બધાંને એવી મજા પડી ગઈ કે ના પૂછો વાત. એ પછી તો બધાં પાછાં દ્રાક્ષના ઝાડ પાસે આવીને એની છાયામાં સૂઈ ગયાં. હવે મહેનત કરી હતી અને સરસ ખાધું હતું એટલે એવી સરસ ઊંઘ આવી ગઈ ને કે બધાં ઘસઘસાટ ઊંઘી ગયાં. હવે દ્રાક્ષ ના ઝાડે જોયું તો એ બચ્ચાઓ પર સૂર્યનો તडકો પાડવાનો શરૂ થયો છે અને એ બચ્ચાઓ ની ઉંઘ માં ભંગ પડે તો. એટલે દ્રાક્ષ ના ઝાડે પોતાની વધુ પાંદડા વાળી ડાળીઓ ને ફેલાવી ને એવી રીતે સુરજ ને આડે રાખી કે બચ્ચાઓ પર આવતો તડકો બંધ થયો અને બચ્ચાઓ આખી બપોર ખલેલ વાર સરસ મજાના સુઈ ગયા.
આ વાર્તા મેં મારાં બાળકોને બેડ-ટાઇમ સ્ટોરી તરીકે 5મી નવેમ્બર 2026 ની રાત્રી એ સુવડાવતી વખતે કરી. કોઈને આ વાર્તા મૌલિક લાગશે, કોઈને વંચેલી લાગશે. પણ આ વાર્તા જૂની શિયાળ ની વાર્તા માં થી પ્રેરણા લઇ ને આગળ વધારી નવી રીતે બાળકો સાથે સંવાદ કરતાં કરતાં બનતી ગયી અને કહેતો ગયો. મારે તેમને જે જણાવવું હતું (more of the story) તે વાર્તા માં વણતો ગયો અને કહેતો ગયો. એવું નથી કે રોજ રાત્રે તેમને વાર્તા કરું છું, ક્યારેક દિવસમાં ખૂબ મસ્તી કરે તો તેમને કહું કે મેં ત્યાં ટેબલ પર વાર્તા રાખી હતી પણ તમારી ધમાલ જોઈને ડરીને ભાગી ગઈ. ઘણી વાર હું ઘરે જવામાં મોડો થાઉ અને બાળક રાહ જોતું હોય વાર્તા સાંભળવા માટે, પણ હું થાકી ગયો હોઉં તો કહું કે આજે મોટી વાર્તા ના મળી, કદાચ આપણે 2 મિનિટ આ શ્લોક બોલીશું તો નાની વાર્તા મળી જશે. એમ કહીને નાની વાર્તા કરું. આખા દિવસના બાળકોના વ્યવહારમાં જે લાગ્યું હોય તે વાર્તા માં મજા આવે એ રીતે વણી લઉં. અને વાર્તા ના નામે પ્રવચનો નહિ કરવાના. બાળકો ને વાર્તાઓ ગમે છે. બાળકો શું, મોટાઓને પણ વાર્તાઓ ગમે છે. એટલે તો આપણે ત્યાં આટલા કથાકારો દેખાય છે.
જો કોઈ એમ કહે કે વ્યક્તિએ કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વર્તવું જોઈએ, તો એ વાક્ય છે. લોકો સાંભળશે અને ભૂલી જશે, પણ જો તમે કથામાં તેને સમાવી લેશો તો લોકોને તરત સમજાઈ જશે અને યાદ પણ રહેશે. પછી તેના પર અમલ મૂકે કે નહીં તે તો વ્યક્તિ પર છે, પણ કથા થી શું સાચું અને શું ખોટું તે તો એને ખબર હોય. તે પ્રમાણે અનુસરવું કે નહીં તે આગલું કદમ છે. જીવનમાં આ બહુ મહત્વનું છે કે શીખ યાદ રહેવી જોઈએ, કારણ કે જો તે યાદ રહેશે તો નિર્ણય લેતી વખતે એ શીખ કામ આવશે.
તો મુદ્દો એવો છે કે તો પછી કોઈ એ વાર્તા કરવી હોય, અસરકારક રીતે કરાવી હોય, પોતાનો મુદ્દો સમજાવવો હોય તો આ વાર્તા કરવા ની કળા ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ.
ત્રણ મહત્વ ના ગુણો છે એક વાર્તાકાર બનવા માટે ના. વાંચન (અથવા અવલોકન, અને સાંભળવા ની કળા), વાર્તા કરવાનો અભ્યાસ (પ્રેકટીસ), અને કલ્પના શક્તિ એક વ્યક્તિ ને સારો વાર્તાકાર બનવા માટે જરૂરી છે.
માણસ ને વાંચન નો રસ ના હોય તો ચાલશે જો તેને અવલોકન કરતા આવડતું હોય, અથવા અવલોકન ન આવડતું હોય તો બીજા ને સાંભળવાની શક્તિ હોવી જોઈએ. કારણ આ બધા માંથી તમને વાર્તા માટે નું બીજ મળી રહે છે. વાંચન કર્યું હોય, કોઈ ની કથા સાંભળી હોય, કે કોઈ વ્યક્તિત્વ કે ઘટના નું અવલોકન કર્યું હોય પછી હવે ના સમય પ્રમાણે કોઈ મૂવી (કે નાટક કે સીરીઝ કે રીલ) જોઈ હોય તો તમને વાર્તા માટે વિષયવસ્તુ તો મળી જ રહેશે.
આ બીજ ને આગળ કેમ વધારવું તે વ્યક્તિ ની કલ્પના શક્તિ છે જે બીજો ગુણ છે. કારણ કે બીજ ને તમારી રીતે આગળ વધારવા તમારી વૈચારિક અને કલ્પના શક્તિ પર આધાર રહે છે. કોઈ કહેશે કે શું કલ્પના શક્તિ વગર વાર્તા નો વિકાસ ના થઇ શકે? આ પ્રશ્ન નો જવાબ આગળ મળશે.
વ્યક્તિ પાસે વાર્તા હોય પણ કહેવા ની કળા ના હોય, કે કહેતા થોથવાય, ડરે કે પછી બોલી જ શકે તો એ વાર્તા સાંભળનાર સુધી પહોંચી ના શકે. આ વાર્તા કહેવા માટે માણસે પોતે અભ્યાસ (પ્રેકટીસ) કરવી પડે, જે ત્રીજો મહત્વ નો ગુણ છે. અને આ અભ્યાસ દ્વારા વક્તિ એક સારો વાર્તાકાર બની શકે. ઘણા કહેતા હોય છે, “વાર્તા તો મારી પાસે ઘણી સરસ છે પણ તમારા જેવું ના આવડે.”. પણ મારે કહેવાનું છે કે તમારે ક્યાં મારી જેમ વાર્તા કરવાની છે, તમારે તો તમારી જેમ વાર્તા કરવાની છે. અનુસરણ કરો, નકલ નહીં. અને અભ્યાસ કરવા થી વાર્તા કહેવાની કળા આવે - માણસ ને રસ હોવો જોઈએ. કારણ કે કોઈ જન્મ થી વાર્તાકાર નથી હોતા.
જો કોઈ વ્યક્તિ પાસે આ ત્રણે હોય તો તે ઉત્તમ વાર્તાકાર બની શકે? હા બની શકે, પણ અસરકારક વાર્તાકાર બનવા માટે એક મહત્વ નો ગુણ હજુ બાકી છે. મૂળભૂત રીતે, એ ગુણ આ બધા કરતા વધારે. ઉપર ના ત્રણે (વાંચન, કલ્પના, અભ્યાસ) કરતા પણ સૌથી મહત્વ નો છે. અને એ છે - હૃદય પૂર્વક કહેવાની વાર્તા. જે પણ કહેવું છે તે હૃદય પૂર્વક કહો, તમારી સંવેદના ને પરોવી ને કહેવાયેલી વાર્તાઓ અસરકારક પુરવાર થઇ છે. પછી વાર્તાકાર પાસે ઉપર ના દર્શાવેલ એક પણ ગુણ ના હોય. ઘણી વખત (મોટે ભાગે) એવું જોવા માં આવ્યું છે કે ઉપર ના ત્રણે ગુણો (વાંચન, કલ્પના શક્તિ, અભ્યાસ) દ્વારા વાર્તાકાર ઘણી ધારદાર વાર્તા કહી શકતો હોય પણ લોકો સુધી ના પહોંચે - કારણ કે તેમાં વાર્તાકાર પ્રેક્ષક ના હૃદય ને સ્પર્શ નથી કરી શક્યો. તમે આજુ બાજુ જોશો તો ઘણા ઉદાહરણ મળી રહેશે. જ્યાં સુધી તમે સાંભળનારના હૃદયને નહીં સ્પર્શી શકો ત્યાં સુધી બાકીનું બધું મિથ્યા છે. અને હું તેને સૌથી ઉપર મૂકીશ. કારણ કે જ્ઞાન, અભ્યાસ, કલ્પનાશક્તિ દર વખતે ના હોય, પણ જો લાગણીના તંતુથી કહેલી વાર્તા હશે તો સામેવાળાના માનસપટલ પર અંકાઈ જશે.
પહેલાંના જમાનામાં મા પોતાનાં બાળકોને વાર્તા કરતી તો તેને આ બધું ખબર નહોતી, એને એટલી જ ખબર હતી કે આ બાળકો છે, એમને મારે વાર્તા કરવાની છે, જેથી કરીને સારા સંસ્કારોનું સિંચન થાય અને તે ફક્ત અને ફક્ત પોતાનો સમય, વિચાર, સંવેદના તે વાર્તા કહેવામાં જોડી દેતી. આ હૃદય પૂર્વક કહેવાયેલી વાર્તાઓ બાળકો ને વર્ષો સુધી યાદ રહે છે. તમે જોશો કે હૃદયથી કહેવેલી વાર્તાઓ (કે ફિલ્મો, નાટકો, પ્રવચનો, વાર્તાઓ, નવલકથાઓ, નવલિકાઓ વગેરે, કે ક્લાસરૂમમાં શીખવાડેલી વાતો) વ્યક્તિના માનસપટલ પર લાંબા સમય સુધી રહે છે.
આ હૃદય પૂર્વક (સંવેદના પૂર્વક) કહેવાના ગુણ ને ઘણા નાટકીય રીતે કહેવા ના ગુણ સાથે સરખાવી લે છે પણ તેવું નથી. તે યાદ રાખવું રહ્યું.
તો જ્ઞાન, અભ્યાસ, કલ્પનાશક્તિ અને હૃદયથી કહેવાયેલી વાર્તાઓ સામેવાળાને પહોંચે જ, પછી એ મોટાં હોય કે નાનું બાળક.
આ લખાણ મારા અનુભવની વાતો છે, આ જ રીતે અસરકારક વાર્તાકાર થવાય એ જરૂરી નથી. બીજાના અનુભવો જુદા હોઈ શકે અને અહીં કહેલી વાતો અસ્વીકાર્ય હોઈ શકે. પણ આ મારા અનુભવના એરણે ચડેલો મારો અત્યારનો અભિપ્રાય છે.
સારતત્ત્વ
કેટલીક વાર્તાઓ આપણને હસાવે છે, કેટલીક વિચારતા કરી મૂકે છે, તો કેટલીક એવી હોય છે જે લાંબા સમય સુધી આપણી સાથે રહે છે.
કદાચ એટલા માટે જ પુસ્તકોનું આપણા જીવનમાં એક આગવું સ્થાન છે. દરેક પુસ્તક જાણે એક નવી દુનિયાનું બારણું ખોલે છે, જ્યાંથી આપણે કંઈક નવું જોઈ, સમજી અને અનુભવી શકીએ છીએ. આવા જ કેટલાક વિચારો અને વાર્તાઓનો એક નાનકડો સંગ્રહ…
One Iota At a Time: 101 Fables.
કારણ કે કેટલીક વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી હોતી, જીવનમાં સાથે રાખવા માટે હોય છે.
રત્નકણિકા
“પોષણ, આશ્રય અને સાથ-સંગાથ પછી, આ દુનિયામાં આપણને સૌથી વધુ જરૂર વાર્તાઓની છે.”
— ફિલિપ પુલમેન
Thus said Dinesh Gajjar
Published at 7:53 pm, Sun Nov 8th 2026 from Sarvodaya Anand, Maharashtra, India.